એમેઝોનના સીઇઓ જેફ બેજોસ પદ છોડશે

એમેઝોનના સીઇઓ જેફ બેજોસ પદ છોડશે:રિટાયર નહીં થાય દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન, એન્ડી નવા સીઈઓ હશે


જેફ બેજોસની સંપત્તિ 188 અબજ ડોલર છે; તેઓ દુનિયાના બીજા સૌથી અમીર બિઝનેસમેન છે

એમેઝોનના સ્થાપક જેફ બેજોસે કહ્યું છે કે તેઓ આ વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં CEOપદેથી હટી જશે. તેમના સ્થાને એન્ડી જેસી આવશે, જોકે તેઓ રિટાયર નહીં થાય. જેફ બેજોસ હવે બોર્ડના કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.

જેફ બેજોસે કર્મચારીઓને એક પત્ર લખીને કંપનીમાં એન્ડી જેસીની નવી ભૂમિકા માટે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેસી હાલમાં એમેઝોન વેબ સર્વિસના પ્રમુખ છે. નવા સીઈઓ જેસીએ એમેઝોનમાં 1997માં માર્કેટિંગથી કરિયરની શરૂઆત કરી હતી. 2003માં કંપનીમાં ક્લાઉડ સેવા આપનારા AWSની શરૂઆત કરી હતી. આ ડિવિઝન એમેઝોનનું સૌથી વધુ લાભદાયી સેગમેન્ટ છે. મંગળવારે એમેઝોનની માર્કેટ વેલ્યુ 1.69 લાખ કરોડ ડોલર હતું. 10 વર્ષ અગાઉની તુલનામાં માર્કેટ વેલ્યુ 10 ગણી વધી છે.


હવે એમેઝોનની મહત્ત્વની પહેલ સાથે જોડાશે બેજોસ
એમેઝોનના કર્મચારીઓને મોકલેલા એક પત્રમાં બેજોસે કહ્યું હતું કે તેઓ એમેઝોનની મહત્ત્વની પહેલ સાથે જોડાયેલા રહેશે. હવે તેઓ પોતાના પરોપકારી પ્રયાસો તરફ વધુ ધ્યાન આપશે, જેમાં ડે વન ફંડ, બેજોસ અર્થ ફંડ અને અંતરિક્ષ રિસર્ચ તેમજ જર્નાલિઝમ સાથે સંકળાયેલી અન્ય વ્યાવસાયિક ગતિવિધિઓ સામેલ છે. બેજોસે લખ્યું છે કે આ રિટાયર થવાની વાત નથી. હું આ સંસ્થાઓના પ્રભાવને લઈને ખૂબ ઉત્સાહિત છું.

1994માં ઓનલાઈન બુક સ્ટોરથી શરૂ થઈ હતી એમેઝોન
જેફ બેજોસે વર્ષ 1994માં એક ઓનલાઈન બુક સ્ટોર તરીકે એમેઝોનની શરૂઆત કરી હતી. હવે આ કંપની મેગા ઓનલાઈન રિટેલરમાં બદલાઈ ગઈ છે. તે દુનિયાભરમાં તમામ પ્રકારની પ્રોડક્ટ વેચે છે. બેજોસે પત્રમાં લખ્યું છે કે પોતાની આ નવી ભૂમિકામાં હું મારી સમગ્ર ઊર્જા સાથે નવી પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીશ. એન્ડી જેસી પર મને પૂરેપૂરો ભરોસો છે કે તેઓ એક ઉત્તમ લીડર સાબિત થશે.

27 વર્ષ અગાઉ એમેઝોન એક વિચાર હતો
જેફ બેજોસે પોતાના પત્રમાં લખ્યું છે કે એમેઝોનની સફર લગભગ 27 વર્ષ અગાઉ શરૂ થઈ હતી. એમેઝોન માત્ર એક વિચાર હતો અને એનું કોઈ નામ નહોતું. એ સમયે સૌથી વધુ વખત મને એ સવાલ પૂછવામાં આવ્યો હતો કે ઈન્ટરનેટ શું છે? આજે અમે 13 લાખ લોકોને રોજગારી આપીએ છીએ. કરોડો ગ્રાહકો અને વ્યવસાયોની સેવા કરીએ છીએ. અમે સૌથી સફળ કંપનીઓ તરીકે ઓળખ ધરાવીએ છીએ.

ગત વર્ષે જોરદાર થઈ કમાણી
બેજોસે આ ઘોષણા એવા સમયે કરી છે, જ્યારે એમેઝોને 31 ડિસેમ્બર, 2020ના રોજ સમાપ્ત થયેલા ચોથા ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યાં છે. કંપનીએ 2020ના અંતિમ ત્રણ મહિનાઓમાં 100 અબજ ડોલરનું વેચાણ કર્યું છે.

દાનમાં આગળ છે બેજોસ
દુનિયાના સૌથી અમીર બિઝનેસ મેન જેફ બેજોસે વર્ષ 2020માં સૌથી મોટું દાન કર્યું છે. ધ ક્રોનિકલ ઓફ ફિલેન્થ્રોપીની યાદીમાં પ્રથમ સ્થાને રહેલા બેજોસે વર્ષ 2020માં જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે 10 અબજ ડોલર (732.39 અબજ રૂપિયા)નું દાન કર્યું છે. જેફ બેજોસ અત્યારે દુનિયાના બીજા સૌથી અમીર બિઝનેસમેન છે. લગભગ એક મહિના અગાઉ તેમણે ટેસ્લાના સીઈઓ એલન મસ્કને પાછળ છોડી દીધા હતા. એલન મસ્કની સંપત્તિ 190 અબજ ડોલર છે, જ્યારે બેજોસની 188 અબજ ડોલર છે.

સુંદર પિચાઈએ આપી શુભકામનાઓ

જેફ બેજોસની આ ઘોષણા પછી ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક ટ્વીટ કરીને તેમને શુભેચ્છાઓ આપી હતી. પિચાઈએ એન્ડી જેસીને તેમના આગામી રોલ માટે અભિનંદન પણ આપ્યાં.

Comments

Popular posts from this blog

પ્રશ્ન ઉકેલો ઈનામ મેળવો

16 Mar 2021 કરન્ટ અફેર

11 માર્ચ 2021 કરન્ટ અફેર