ફેબ્રુઆરીના વ્રત-તહેવાર
ફેબ્રુઆરીના વ્રત-તહેવાર
11 ફેબ્રુઆરીએ મૌની અમાસ, 12થી ગુપ્ત નોરતા શરૂ; 16મીએ વસંત પંચમી અને 27મીએ માઘ પૂર્ણિમા રહેશે
2021ના બીજા મહિનામાં અનેક વ્રત અને તહેવાર રહેશે. હિંદુ અથવા સનાતન ધર્મની વિવિધતા દર વર્ષે આવતાં તિથિ, તહેવાર, કર્મકાંડ દર્શાવે છે. લગભગ એક વર્ષમાં કોરોના સંક્રમણના કારણે લોકો પોતાના તિથિ તહેવારો ધૂમધામથી ઊજવી શકતાં નહોતાં, પરંતુ હવે કોરોના વેક્સીન આવી જવાથી 2021માં લોકોને ઘણી આશા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી 2021માં આવતા તહેવારોને લોકો પહેલાની જેમ શાનદાર રીતે ઊજવી શકશે. જ્યોતિષીઓ અને ધર્મગ્રંથોના વિદ્વાનો પ્રમાણે હિંદુ ધર્મમાં અનેક શુભ તિથિઓ અને તહેવારોનું મોટું મહત્ત્વ છે. આ અવસરમાં હિંદુ ધર્મના અનુયાયી પૂજા, જપ-તપ, વ્રત અને વૈદિક કર્મોને શુભ માને છે. ત્યાં જ દરેક મહિનામાં અનેક પર્વ પણ આવે છે. ફેબ્રુઆરી 2021માં એક બાજુ જ્યાં ગુપ્ત નવરાત્રિ 12 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે, ત્યાં વસંત પાંચમ 16 અને માઘ પૂર્ણિમા 27 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવશે. સાથે જ અનેક વ્રત અને તહેવાર પણ આ મહિને રહેશે.
16 ફેબ્રુઆરીઃ વસંત પંચમીઃ-
માઘ મહિનાની પાંચમ તિથિને વસંત પંચમીનો તહેવાર ઊજવવામાં આવશે. વસંત પંચમીને શ્રી પંચમી અને જ્ઞાન પંચમીના નામે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે સરસ્વતી પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે વણજોયું મુહૂર્ત હોવાથી લગ્ન જેવા માંગલિક અને શુભ કામ પણ થશે. માન્યતા પ્રમાણે વસંત પંચમી આવતાં જ ઠંડી ઓછી થઇ જાય છે અને વસંત ઋતુનું આગમન થવા લાગે છે.
11 ફેબ્રુઆરીઃ મૌની અમાસઃ-
જ્યોતિષશાસ્ત્રી પં. દિનેશ મિશ્રાના જણાવ્યાં પ્રમાણે હિંદુ કેલેન્ડર પંચાંગમાં પોષ મહિનાના વદ પક્ષમાં આવતી અમાસને માઘ અમાસ અથવા મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે મનુષ્યોએ મૌન રહેવું જોઇએ અને ગંગા, યમુના અને અન્ય પવિત્ર નદીઓ, જળાશય કે કુંડમાં સ્નાન કરવું જોઇએ. ધાર્મિક માન્યતા પ્રમાણે મુનિ શબ્દથી જ મૌનીની ઉત્પત્તિ થઇ છે. એટલે આ દિવસે મૌન રહીને વ્રત કરનાર વ્યક્તિને મુનિ પદની પ્રાપ્તિ થાય છે. માઘ મહિનામાં થતાં સ્નાનનું સૌથી મહત્ત્વપૂર્ણ પર્વ અમાસ છે. આ દિવસે સ્નાન અઅને દાન-પુણ્યનું વિશેષ મહત્ત્વ છે.
23 ફેબ્રુઆરીઃ જયા એકાદશીઃ-
જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવશે. પૂજામાં ભગવાન વિષ્ણુને ફૂલ, જળ, ચોખા, નાળાછડી તથા વિવિધ સુગંધિત પદાર્થો અર્પણ કરવા જોઇએ. જયા એકાદશીનું આ વ્રત ખૂબ જ પુણ્યદાયી હોય છે. માન્યતા છે કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર વ્યક્તિને ભૂત-પ્રેત, પિશાચ જેવી યોનીઓમાં જવાનો ભય રહેતો નથી.
27 ફેબ્રુઆરીઃ માઘ પૂર્ણિમાઃ ગુરુ રવિદાસ જયંતીઃ-
પંચાંગ પ્રમાણે માઘ મહિનામાં આવતી પૂર્ણિમા તિથિને માઘ પૂર્ણિમા કહે છે. ધાર્મિક અને અધ્યાત્મિક દૃષ્ટિએ માઘ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ તિથિએ સ્નાન, દાન અને જાપને ખૂબ જ પુણ્ય ફળદાયી જણાવવામાં આવ્યું છે. માઘ મહિનામાં થતાં આ સ્નાન પૌષ મહિનાની પૂર્ણિમાથી શરૂ થઇને માઘ પૂર્ણિમા સુધી થાય છે. તીર્થરાજ પ્રયાગમાં કલ્પવાસ કરીને ત્રિવેણી સ્નાન કરવાનો છેલ્લો દિવસ માઘ પૂર્ણિમા જ છે. હિંદુ માન્યતાઓ પ્રમાણે માઘ સ્નાન કરનાર વ્યક્તિઓ ઉપર ભગવાન માધવ પ્રસન્ન રહે છે તથા તેમને સુખ-સૌભાગ્ય, ધન-સંતાન અને મોક્ષ પ્રદાન કરે છે.
7 ફેબ્રુઆરીઃ ષટતિલા એકાદશીઃ-
આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. ષટતિલા એકાદશીએ તલનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે તલનો 6 પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે કાળા તલના ઉપયોગનું વિશેષ મહત્ત્વ છે. જેમાં તલથી સ્નાન, તલનું ઉબટન લગાવવું, તલથી હવન, તલથી તર્પણ, તલનું ભોજન અને તલનું દાન કરવામાં આવે છે. એટલે તેને ષટતિલા એકાદશી વ્રત કહેવામાં આવે છે.
ફેબ્રુઆરીના અન્ય તિથિ-તહેવારઃ-
તારીખ અને દિવસ | તિથિ-તહેવાર |
9 ફેબ્રુઆરી, મંગળવાર | ભોમ પ્રદોષ વ્રત |
10 ફેબ્રુઆરી, બુધવાર | માસિક શિવરાત્રિ |
12 ફેબ્રુઆરી, શુક્રવાર | ગુપ્ત નવરાત્રિ શરૂ, કુંભ સંક્રાંતિ |
15 ફેબ્રુઆરી, સોમવાર | વિનાયક ચોથ |
19 ફેબ્રઆરી, શુક્રવાર | અચલા સાતમ, શિવાજી જયંતી |
20 ફેબ્રુઆરી, શનિવાર | ભીષ્મ આઠમ |
21 ફેબ્રુઆરી, રવિવાર | માાઘ ગુપ્ત નવરાત્રિ પૂર્ણ |
24 ફેબ્રુઆરી, બુધવાર | પ્રદોષ વ્રત |
Comments
Post a Comment